Rainscap
વરસાદની ઋતુમાં આકાશમાં જે રંગો જોવા મળે તેવા અન્ય ઋતુઓમાં ન મળે. આકાશમાં વાદળાંઓના આકાર પણ અનેરા. અને મેઘ ધનુષની મજા વળી કૈક જુદીજ. "માથે ગાજે મેઘલો, ડસડસ ડારે વીજ, અષાઢે અમ આવશું આવો, આવી બીજ" જેવી કવિ મણિલાલ પટેલની પંક્તિઓ સહજ યાદ આવી જાય.મૂર્ધન્ય કવિ હરીશ મીનાશ્રુ આ ચિત્રને વિપદાના સાક્ષી (એનાર્કી વીટનેસ) કહે છે.
આ ચિત્રમાં વરસાદ તો છે જ પણ કલાનો ઐતિહાસિક સંદર્ભ પણ છે. પોળનું દ્રશ્ય છે. પાણી ભરાયા છે. લોકો ઘરમાંથી બહાર નીકળીને બેઠા છે. બે પુરુષો ખુરશી નાખીને બેઠા છે અને તેમની સાથે એક છોકરો બેસીને વાતો કરે છે. વચ્ચે ઘરનો ખુલ્લો દરવાજો છે અને તે પછી એક સ્ત્રી બાંકડા પર બેઠી છે. તે બાંકડાની પછી આવેલી દીવાલ પર એક ચિત્ર જોવા મળે છે. મજા અહીં જ આવે છે. આ ચિત્રના ચિત્રકાર કનુ પટેલ છે. એમણે અંહી બહુ સરસ કમાલ કરી છે. બાંકડા પર બેઠેલી સ્ત્રી અન્ય કોઈ નહિ પણ ચિત્રકાર અમૃતા શેરગિલ છે અને એ પછી દીવાલ પર એનું જ એક બહુ પ્રસિદ્ધ ચિત્ર "થ્રી સિસ્ટર્સ" જોવા મળે છે. આમ એમણે સમકાલીન સમયની કડી આપણી ચિત્રકલાના ઇતિહાસ સાથે જોડી દીધી છે. અમૃતા શેરગિલ ભારતની પહેલી આધુનિક ચિત્રકાર ગણાય છે. પણ આજ તો એની શતાબ્દી પણ ચાલી ગઈ છે.અલબત્ત ચિત્રકાર કનુ પટેલે આ ચિત્ર 2005માં સર્જ્યું છે. જયારે અમૃતા શેરગિલનું ચિત્ર "થ્રી સિસ્ટર્સ" 1935માં સર્જાયું છે. આમ ચિત્રકાર કનુ પટેલે બે સમયને એક સાથે જોડીને દર્શકને ભીંજવે છે. - અભિજિત વ્યાસ |
Comments